ફોટો સૌજન્ય - રણમલ સિંધવ
૨૪, ઓગસ્ટ ૨૦૨૨ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કવિવર નર્મદની જન્મજયંતિ નિમિત્તે ગુજરાતી ભાષાની આન, બાન અને શાન રૂપે ઉજવાય છે.
ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા કવિ નર્મદે 'મારી હકીકત' લખી હતી.
કવિ નર્મદને ગુજરાતી સાહિત્યમાં 'અર્વાચીનોમાં આદ્ય' તરીકે ઓળખવામાં આવે છે.
મારા ગુજરાતી ભાષા અંગેના મત....
આજના સમયમાં ગુજરાતી ભાષાના મહત્વ અંગે જાત જાત ના લેખો જોવા મળે છે, ગુજરાતી ભાષાને અંગ્રેજી ભાષા કરતા ઓછું મહત્વ આપવામાં આવે છે પણ ભાષા કોઇ પણ હોય એનું અનેરુ મહત્વ હોય જ છે બસ સમજવાની જરૂર છે કે આપણે બધીજ ભાષાઓને સમાન મહત્વ આપવું ઘટે.
વાત કરું ગુજરાતી ભાષાની તો મારી સૌથી ગમતી અને પ્રિય ભાષામાં ગુજરાતી છે, મને ક્યારેય એવું થયું નથી કે હું અંગ્રેજી શીખું કેમ કે મારે તો હજું ગુજરાતી ભાષાને સૌથી નજીકથી જોવાની ભણવાની પણ બાકી છે.
મારી બોલી ગુજરાતી છે બાર ગાઉ બોલી બદલાય એમ ગુજરાતમાં પ્રદેશ બદલાય એમ ગુજરાતી ભાષાની બોલવાની ઢબ પણ બદલાય છે.
હું સાબરકાંઠાથી આવું છું તો ત્યાંની બોલી તરત જ ઓળખાય જાય ક્યાંક ગયા હોઇએ ને કોઇક સાંબરકાંઠાની બોલી બોલે ને ઓળખાય જાય કે અરે! આતો આપણી બાજુનો છે, વાત અહીં ભાષાના પ્રેમની છે કે બોલીથી પણ ઓળખાણ થઇ જાય, છે ને ગજબ.
સાબરકાંઠા વાળા "ળ" ને "ર" ને વાપરે છે બોલવામાં જેમ કે ડુંગળી ને "ડુંગરી".
એમ જ બોલીઓમાં સુરતી, સૌરાષ્ટ્રી, કચ્છી, મહેસાણી વગેરેનો આગવી વિશિષ્ટતા છે.
મને ગુજરાતી સાહિત્ય ગમવાનું કારણ ગુજરાતી ભાષા છે જે પ્રેમાળ ભાષા છે, ઉર્દૂ પછી ગુજરાતી ભાષા મને તહેજીબથી ભરેલી અને પ્રેમથી છલોછલ લાગે છે, એનું કારણ વપરાતાં શબ્દો છે.
નવલકથાઓમાં થતું વર્ણન ગુજરાતી ભાષાની સમૃધ્ધિ બતાવે છે કે કેટલો વૈભવ છે ભાષામાં.
તમે થી તું, મિત્ર થી પ્રિયતમા, બાળક થી વૃધ્ધ, વિદ્યાર્થી થી શિક્ષક સુધી.
મને ગુજરાતી ભાષા વાંચવી ગમે છે, વાંચીને કહી સંભળાવી ગમે છે.
શબ્દો મમળાવા ગમે છે.
વાક્યોને પંપાળવા ગમે છે.
કેમ કે ભાષા જ એવી છે કે પરાણે પ્રેમ ઉભરાય.
આજે મારી પાસે ગુજરાતી ભાષા, સાહિત્યનું જેટલુઅં પણ વાંચન, જ્ઞાન છે એ માટે કવિ નર્મદથી માંડીને બધાજ કવિ, લેખકો, વિવચકોનો આભારી છું કે એમના લીધે મને ગુજરાતી ભાષાનો સમૃધ્ધ વારસો માણવાં મળ્યો,
ભાષાનું મહત્વ શીખ્યો ને આજે એક ગુજરાતી તરીકે મને ગુજરાતી ભાષાનું ગોરવ છે.
જય જય ગરવી ગુજરાત.
લિ. - વિતાન પરમાર