સમય - ફેબ્રુઆરી, ૨૦૧૧
મારી ૧૦માં ધોરણની બોર્ડની પરીક્ષાનો અતિ નજીકનો સમય, જે સમયે હું બીમાર હતો અને પરીક્ષાની તૈયારીનાં નામે મેં કહેવા પુરતી તૈયારી કરી હશે અને તૈયારી કરવાનો એક જાતનો કંટાળો પણ આવતો હતો.
ફોનનો ઉદય થયેલો પણ ઇન્ટરનેટ ખપ પુરતું, અને ટિપિકલી ગુજરાતી વાલીઓની જેમ મને પણ ઓફર મળેલી કે ૧૦મું પાસ કરું અમુક ટકાથી તોજ કીપેડ રંગીન ફોન લાવી આપવામાં આવશે એટલે ફોન હતો નહી તો ઘરે ઇતર પ્રવૃત્તિમાં બસ ટીવી જોવું અને સમાચારપત્રો વાંચવા સિવાય ખાસ કામગીરી હતીજ નહી.
પણ, મને વાંચવાનો શોખ વારસામાં મારા પપ્પા તરફથી મળેલો એટલે કલાક સુધી સમાચારપત્ર ને પુર્તિ વાંચી કાઢતો અને બીજું સામાન્યજ્ઞાન વિશેષાંક સાહિત્ય એ અલગ.
મારા પપ્પા વાંચવાના રસિક એટલે હરકિસન મહેતા, અશ્વિની ભટ્ટની નવલકથાઓ વાંચવા લાવતા એટલે અનાયાસે હું પણ કુતુહલવશ નવલકથામાંના પત્તાઓ ફેરવતો, જોતો.
લેખક વિશેની માહિતી, નવલકથાની પ્રસ્તાવના વગેરે વાંચીને સંતોષ મેળવી લેતો કે મેં પણ નવલકથા વાંચી થોડીક.
એવામાં, એક દિવસ ઘરે હરકિસન મહેતાની સત્ય ઘટના આધારિત નવલકથા "વેરનાં વળામણા" મારા પપ્પા લાવ્યા હતા એટલે મેં એ નવલકથા પ્રબુધ્ધ વાચક હોઉં એમ પત્તા ઉથલાવીને થોડીક વાંચી, પણ આતો લખાણ હરકિસન મહેતાનું હતું, એ સમયે ખયાલ નહોતો પણ મને લાગ્યું આ નવલકથામાઅં એવું તો એક તત્વ, ખેંચાણ છે જે મને સતત વાંચવા તરફ દોરે છે જે મને જકડી રાખે છે વાંચવા.
પછી મેં પરીક્ષાની તૈયારી મુકી બાજુમાં અને ચાલુ કરી નવલકથા વાંચવાની, પ્રથમ ભાગ થોડોક વાંચ્યો હશે ત્યાં મારૂ મન કહેવા લાગ્યું કે આ જેવી-તેવી નવલકથા નથી જ. આને પુરી કર્યે જ છુટકો.
હું જેમ-જેમ વાંચતો ગયો મને લખાણશૈલી, શબ્દો, પક્કડ, રહસ્ય, યાતના, ખુન્નસ, ખુમારી, આઝાદી પૂર્વેનો સમય, અસ્સલ પંજાબી ગભરુનો ઠસ્સો, બહારવટિયાની હિંમત, વટ, વચન અને વેર આ બધાંજ ભાવો આંખપટલ સમક્ષ એક ચાલતી-બોલતી ફિલ્મની જેમ તરવરવા લાગ્યા, મને લાગ્યું આ નવલકથા એક નવલકથા કરતાં એક ડાકુ નહી પણ માણસની આબેહૂબ નકલ એક ફિલ્મની જેમ પુસ્તકમાં ઉતારી છે લેખકે.
બસ પછી ગર્વભેર મેં પુરા ત્રણ ભાગ એકસામટા વાંચી નાંખેલા પરીક્ષાની જરાય ચિંતા કર્યા વગર એક મહિનામાં.
આટલું ઝીણવટભર્યું, ઉમદા અને બારીકાઇભર્યું લખાણ મેં જીંદગીમાં પ્રથમ વાર વાંચ્યું હતું, બસ પછી દર વર્ષે અચૂક આ નવલકથા હું ખાસ મારા પપ્પા જોડે વાંચવા મંગાવતો અને ત્રણેય ભાગ જાણે પ્રિયતમા સાથે પ્રથમ મુલાકાત હોય એમ એટલાજ રોમાંચ, ઉલ્લાસથી હરખભેર વાંચતો.
કુલ ૨૦ વાર ઉપરાંત મેં આ નવલકથા વાંચી હજું પણ નવપરણિત યુગલની જેમ મને આ નવલકથા વાંચવી એટલીજ રોમાંચક લાગે છે.
કંટાળા નામનો શબ્દ આ નવલકથા આગળ પાંગળો સાબિત થાય છે.
પછી હાં પરીક્ષામાં એટલો વાંધો નહોતો આવ્યો, આ નવલકથા વાંચવાથી તદપરાંત હું સારા ગ્રેડથી પાસ પણ થયેલો જી હાં.
કોઇજ જાતની અતિશયોક્તિ વગર એટલું જરૂર કહીશ કે જેણે પણ વાંચવાનો જરા સરખો પણ રસ હોય એમણે આ નવલકથા અચૂકપણે ખાસ વાંચવી જ જોઇએ, પછી પ્રત્યુત્તર પાઠવશો.
વર્ષ ૨૦૨૨ માં મેં આ નવલકથા ૨૦મી વાર વાંચી એનો આનંદ.
સાહિત્યપ્રેમીઓમાં એકાદ લેખકની છબી તો એવી હોય છે જેમ પૃથ્વી પર એક સૂરજ છે એક ચંદ્ર છે એમ મારા માટે સાહિત્યમાં લેખક એટલે હરકિસન મહેતા.
અસ્તુ.
લિ. - વિતાન પરમાર