નામ એમનું પ્રશાંત દયાળ. આ નામથી ગુજરાત પત્રકારત્વ આલમમાં ભાગ્યેજ કોઇક અજાણ્યું હશે.
જી હા, ક્રાઇમ રિર્પોટિંગ માં જેમનો જોટો જડવો મુશ્કેલ છે એવાં પ્રશાંત દયાળ જેમને પરિચિતો ને મિત્ર વર્તુળમાં બધાં "દાદા" નાં હુલામણા નામથી ઓળખે છે.
એવું વ્યક્તિત્વ જેનાં મોંઢા પર સદાય સ્મિત રમતું રહેતું હોય, જેમનો આગવો સ્વભાવ જોઇએ તો ફક્કડ ને તડફડ.
ખુશમિજાજી અને અલ્લડ પણ ખરાં જ. ઇન્વેસ્ટીગેટીવ પત્રકારત્વ જેમાં ઘણી ખણખોદ, રખડપટ્ટી ને અંતે જે સમાચાર બને એમાં જ એમને મજા આવે. મૂળ પત્રકાર પણ કામ જોવા જઇએ તો વિજ્ઞાન જેવું કે જે અંત એટલે કે વાતનાં મૂળ સુધી પહોંચીને જ રહે.
પત્રકાર તરીકે જેમણે બોલપેન ને ડાયરી ને સદાય અળગી રાખી ને તો પણ હાલ એમનાં જેવું કામ ખાસ કોઇ નથી કરી શકતું.
જ્યારથી પત્રકારત્વનો અભ્યાસ ચાલું કર્યો ત્યારથી બધાં વિદ્યાર્થીઓનાં મોંઢે થી સાંભળતો કે મારે આ બીટ જોઇએ, પેલી બીટ જોઇએ અને એનાં માટે બીટ સ્પેશિયાલિસ્ટ અનુભવી પત્રકારો પણ બીટ પ્રમાણે વિદ્યાર્થીઓનાં આદર્શ રહેતા હોય છે મતલબ કે એમનાં જેવી રીતે રિર્પોટિંગ કરવું, લખવું વગેરે.
પણ વાત જ્યારે ક્રાઇમ બીટ ની આવે ત્યારે બધાંના મોંએ નામ માત્ર એકજ હોય એ છે પ્રશાંત દયાળ, આ નામ એટલે ખૂબ મહેનત, ઝૂનુન અને ઘણી રઝળપાટ પછી મેળવેલો અનુભવ.
અભ્યાસ દરમ્યાન બહું ઓછો એવો સમય મળેલો જેમાં દાદા ને મળી શકાયું હોય, એમને મળવા માટે રીતસર રાહ જોયેલી છે કે ક્યારે કોઇ કાર્યક્રમ આવે કે મોકો જેમાં મળી શકાય, પણ નવજીવન ટ્રસ્ટ કેમ્પસ, અમદાવાદ અને કિરણ કાપુરેના સહયોગથી આજે એક આખો લેક્ચર ભણવાં મળ્યો એ બદલ આભારી છું નવજીવન ટ્રસ્ટ કેમ્પસ અને સતત આવાં લેક્ચરમાં અમને 'આવો આપનું સ્વાગત છે' ને ખરાં અર્થમાં સાર્થક કરતાં કિરણ કાપુરે.
વાત ચાહે ક્રાઇમની હોય, પોલિટિક્સ ની હોય કે વર્તમાન મુદ્દાઓની "દાદા" જોડેથી જે શીખવા મળ્યું છે તે અવર્ણનીય છે, કેમ કે તેમનું વર્ણન લેખ માં હોય કે સમાચાર માં હોય કે રૂબરૂ હોય તેમની આગવી શૈલી એવી સરળ, સચોટ, અનુભવી અને તાર્કિક હોય છે ને કે દરેક સરળતાથી સમજી શકે ને એનો મર્મ વાગોળી શકે.
ખરાં અર્થ માં હું સમજી શકું છું કે કોઇપણ વાત ને કેટલી બાજુંએથી જોવી, સમજવી ને પછીજ આપણો મત કેળવવો એ પ્રશાંત દયાળ જોડે થી શીખવા મળ્યું છે.
કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી કેમ કે હું એક વિદ્યાર્થી છું ને વિદ્યાર્થી જે જોવે છે, જે ભણે છે અને જે સમજે છે એજ એનાં લખાણમાં પ્રતિબિંબ થતું હોય છે.
મારું આ લખાણ પણ મારા અનુભવ ને મેં ભણેલા અભ્યાસનું સરવૈયું છે.
આજની મુલાકાત હંમેશાથી ખાસ અને અકલ્પનિય રહી બદલ ખાસ આભાર ચાહીશ નવજીવન ટ્રસ્ટ કેમ્પસ અને કિરણ કાપુરેજી નો.
-વિતાન પરમારનાં સંસ્મરણમાંથી